Home »Pooja »Utsav »Diwali» Tulsi Vivah And Dev Diwali

તુલસી વિવાહ અને દેવદિવાળી

Dharma Desk, Ahmedabad | Nov 21, 2010, 10:38 AM IST

  • તુલસી વિવાહ અને દેવદિવાળી,  diwali news in gujarati
કાર્તિક સ્વામીને કારતક મહિનાના દેવ માનવામાં આવે છે. કાર્તિક સ્વામી દેવોની સેનાના સેનાપતિ બન્યા અને તારકાસુરનો વધ કર્યો. આથી દેવોએ વૈકુંઠલોકમાં દીવા કરીને દિવાળી મનાવી માટે કાર્તિક પૂર્ણિમાને દેવદિવાળી કહેવાય છે. દેવદિવાળીને દિવસે આપણાં મંદિરોને દીવડાઓથી ઝગમગાવી દેવામાં આવે છે. કારતક સુદ એકાદશીને દેવઊઠી એકાદશી કહેવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિમાં આ દિવસે તુલસી વિવાહ કરવામાં આવે છે. તુલસી વિવાહ પછી લગ્નસરા ચાલુ થાય છે. પર્વ પ્રસંગ, શાસ્ત્રી વિનોદ પંડ્યા હિન્દુ સંપ્રદાયમાં એકાદશીને ખૂબ જ પવિત્ર દિવસ માનવામાં આવે છે. એક વર્ષમાં કુલ ચોવીસ એકાદશીઓ આવે છે. ચોવીસ એકાદશીમાં ચાર એકાદશીઓને સૌથી મોટી માનવામાં આવે છે. પ્રથમ દેવઊઠી, દેવપોઢી, ર્નિજળા-ભીમ એકાદશી, પરિવર્તની એકાદશી. અલગ અલગ સંપ્રદાયોના મત પ્રમાણે એકદાશીનું મહત્વ ગણવામાં આવે છે. એકાદશીએ મોટાભાગે ભજન-કીર્તન, વિષ્ણુપૂજન, નદીસ્નાન તથા ફળાહારનું મહત્વ હોય છે. એકાદશીએ મંદિરોમાં તથા વિષ્ણુતીર્થોમાં ભક્તોની વિશેષ ભીડ જોવા મળે છે. કારતક સુદ એકાદશીને દેવઊઠી એકાદશી કહેવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિમાં આ દિવસે તુલસી વિવાહ કરવામાં આવે છે. કેટલાંક સ્થળોએ તો લગ્ન જેટલો ખર્ચ, જમણવાર, બેંડવાજા તથા ધામધૂમ કરવામાં આવે છે. તુલસીના છોડને શાલગિ્રામ (વિષ્ણુ) સાથે પરણાવવામાં આવે છે. જેમને કન્યા સંતાન ન હોય તેવાં દંપતીઓ યજમાન બનીને તુલસીરૂપે કન્યાદાન પણ કરે છે. કેટલાક ભક્તો ત્રણ દિવસનું તુલસીવ્રત પણ કરે છે. તુલસીવ્રત કરનાર ત્રણ દિવસ શાલગિ્રામ તથા તુલસી પાસે દીવા કરે છે. તુલસીવ્રતની કથા સાંભળે છે. ત્રીજા દિવસે રાત્રિ જાગરણ કરે છે. સવારમાં સૌભાગ્યવતીને બોલાવી જમાડે છે. તુલસી હિન્દુ સમાજમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. વિષ્ણુપૂજામાં તુલસીનું ખૂબ જ મહત્વ હોય છે. આપણાં પુરાણોમાં તથા કાલિદાસ જેવા કવિઓની કૃતિઓમાં, અભિલેખોમાં પણ એકાદશીના ઉલ્લેખો જોવા મળે છે. પુરાણના મત પ્રમાણે જાલંધર નામનો દૈત્ય દેવોને ખૂબ જ પરેશાન કરતો હતો. સૌ દેવો સાથે મળીને નારાયણ પાસે ગયા. નારાયણે આ દૈત્ય શા માટે મરતો નથી તેની તપાસ કરાવી તો જાલંધર દૈત્યની પત્ની વૃંદા ખૂબ જ પતપિરાયણ તથા પવિત્ર હતી માટે તેના તપથી જાલંધરનું બળ વધ્યું હતું. નારાયણે કપટ કરીને વૃંદાનું પતિવ્રતાવ્રતનો ભંગ કરાવ્યો, આથી ખિન્ન થઇને વૃંદાએ ભગવાનને શાપ આપ્યો, તમે શાલિગ્રામ બની જાઓ. નારાયણે પણ વૃંદાને શાપ આપ્યો તું વૃંદા બની જા. તુલસીના છોડ વૃંદમાં ઊગતા હોવાથી તેને વૃંદા કહેવામાં આવે છે. દ્વાપરયુગમાં નારાયણ કૃષ્ણરૂપે અવતર્યા અને વૃંદા રુકમણી રૂપે પ્રગટ થયાં. શ્રીકૃષ્ણે રુકમણીનું હરણ કરીને પટરાણી બનાવી. તુલસી વિવાહનો ઉલ્લેખ વામનપુરાણ સિવાય ક્યાંય પણ જોવા મળતો નથી કદાચ વૈષ્ણવ પરંપરાના આધારે તુલસી વિવાહનો પ્રસંગ પ્રસિદ્ધ બન્યો હશે. આદિવાસીઓ વૃક્ષોનાં લગ્ન કરાવતા હતા. કદાચ આ પરંપરામાંથી તુલસી વિવાહ રચાયો હશે. તુલસી વિવાહ એટલે લગ્નસરાની વણઝાર. તુલસી વિવાહ પછી લગ્નસરા ચાલુ થાય છે. દેવદિવાળી કાર્તિકી પૂર્ણિમાને આપણે દેવદિવાળી તરીકે ઓળખીએ છીએ. આપણને વિચાર આવે શું દેવો પણ દિવાળી ઊજવતા હશે. આપણને તાજી જ માણેલી દિવાળી યાદ આવી ગઇ. સૌ કોઇ કહેવા લાગ્યા, ‘ આ તો દિવાળી થઇ, બધે ઝગમગાટ થઇ ગયો ને! પણ આપણી દિવાળી તો થઇ ગઇ.’ તો આ ભગવાનને માટે દીવા પ્રગટયા છે, દેવને માટે પ્રગટયા છે. તેથી દેવદિવાળી નામ આપવામાં આવ્યું. માણસ પાસે કલ્પનાશક્તિ હોવાથી તે કલ્પના કરે તો અનુભવ બહારની કરી શકતો નથી. માણસે ઇશ્વરનું સ્વરૂપ કલ્પ્યું તે પણ માણસ જેવું. તે જ રીતે પોતાના તહેવારોનું અનુસંધાન ઇશ્વર સાથે કરીને તેને ઓચ્છવમાં પલટી નાખ્યો. દિવાળીની દેવદિવાળી કરી નાખી. ચોમાસુ પૂર્ણ થયા પછી આવતી આ પૂનમે આકાશ એકદમ સ્વચ્છ (નિરભ્ર) જોવા મળે છે. કાર્તિક સ્વામીને કારતક મહિનાના દેવ માનવામાં આવે છે. તારકાસુર નામનો દૈત્ય બ્રહ્નાજીના વરદાનથી કોઇનાથી મરતો નહોતો. તારકાસુરે બ્રહ્નાજી પાસે વરદાન માગ્યું. શિવનો પુત્ર જ મને મારી શકે. તારકાસુરને ખબર હતી કે શિવજી યોગી છે. સતી માતાના અગ્નિપ્રવેશ પછી શિવ બીજીવાર લગ્ન કરશે નહીં અને મને કોઇ મારી શકશે નહીં. કાલિદાસના કુમાર સંભવમાં આ વાર્તા સુંદર રીતે વર્ણવી છે. દેવોએ કામદેવને બોલાવી વસંતઋતુનું નિર્માણ કર્યું અને શિવજીના તપનો ભંગ કરાવ્યો. આ બાજુ સતીમાતાનો બીજો જન્મ પાર્વતીરૂપે હિમાલય અને મેનકાના ત્યાં થયો. નારદજીના કહેવા પ્રમાણે પાર્વતીજીએ બીજા જન્મે શિવને પતિ તરીકે અપનાવ્યા. દેવોએ પુષ્પવૃષ્ટિ કરી. શિવજી અને પાર્વતીજીને ત્યાં કાર્તિક સ્વામીનો જન્મ થયો. કાર્તિક સ્વામી દેવોની સેનાના સેનાપતિ બન્યા અને તારકાસુરનો વધ કર્યો. આથી દેવોએ વૈકુંઠલોકમાં દીવા કરીને દિવાળી મનાવી માટે કાર્તિક પૂર્ણિમાને દેવદિવાળી કહેવાય છે. કાર્તિક પૂર્ણિમાએ અનેક તીર્થોમાં જૈન-બૌદ્ધ-મેળાઓ ભરાય છે. દેવદિવાળીને દિવસે આપણાં મંદિરોને દીવડાઓથી ઝગમગાવી દેવામાં આવે છે. કેટલાક ભક્તો પગપાળા ચાલીને આ દિવસે યાત્રાઓ કરે છે. આપણે પણ આ પૂનમે કાર્તિક સ્વામીનું પૂજન કરીને કાર્તિક સ્વામીની કૃપાના ભાગીદાર બનીએ. શુભમ્ અસ્તુ!
(Utsav Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Pooja Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Tulsi vivah and Dev Diwali
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended