Home »Self Help» Inspirational Quotes Of Ramkrishna Paramhans

વિવેકાનંદના ગુરુએ 150 વર્ષ પહેલાં કહેલી જીવનને સફળ બનાવવાની વાતો

Dharm Desk, Ahmedabad | Apr 11, 2017, 17:34 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃસ્વામી વિવેકાનંદ તરીકે સમગ્ર વિશ્વમાં ખ્યાતિ પામનારા નરેન્દ્રના ગુરુ દક્ષિણેશ્વરનાં ઠાકુર શ્રીરામકૃષ્ણ પરમહંસ ભારત દેશના મહાન સંત અને વિચારક હતા. એમણે બધા ધર્મોની એકતા પર વિશેષ જોર આપ્યું હતું. એમને બાળપણથી જ વિશ્વાસ હતો કે ઇશ્વરનો સાક્ષાત્કાર(દર્શન) થઇ શકે છે. આમ, ઇશ્વરની પ્રાપ્તિ માટે એમણે કઠોર સાધના અને ભક્તિમાં જીવન વિતાવ્યું. રામકૃષ્ણ પરમહંસ માનવતાના પૂજારી હતા. સાધનાના ફલસ્વરુપે તેઓ એ નિષ્કર્ષ પર પહોંચ્યા કે સંસારના બધા જ ધર્મો સાચા છે અને એમાં કોઇ ભિન્નતા નથી. ધર્મ એ ઇશ્વર સુધી પહોંચવાના અલગ અલગ રસ્તાઓ છે. આ મહાન સંતે જીવનમાં સફળ બનવાની અનેક વાતો કહી હતી જેને તેમના અનેક શિષ્યોએ અનુસરણ કર્યું હતું. આજે અમે તમને આવી જ જીવનને સફળ બનાવવાની મહત્વની બાબતો જણાવીશું જેને તમે આગળની સ્લાઈડ્સમાં સૂત્રો રૂપમાં વાંચી શકશો. તે પહેલાં આજના યુવાનો માટે એક આધ્યાત્મિક પ્રેરક પ્રસંગને જોઈએ.

રામકૃષ્ણ પરમહંસ અને તેમના શિષ્યોનો એક પ્રસંગઃ- 
 
એકવાર રામકૃષ્ણ પરમહંસ પોતાના શિષ્યો સાથે નદીકિનારા પરથી પસાર થઇ રહ્યા હતા. નદીના કિનારા પર બેસીને એક માછીમાર માછલીઓ પકડી રહ્યો હતો. પરમહંસજીએ બધા શિષ્યોને ઉભા રાખ્યા અને કહ્યું, તમે બધા ઉભા રહો અને માછીમારની જાળમાં ફસાયેલી આ માછલીઓ શું કરે છે તેનું ધ્યાનથી નિરિક્ષણ કરો.
 
શિષ્યોએ જોયું કે જાળમાં ફસાયેલી માછલીઓ પૈકી કેટલીક માછલીઓ સાવ નિષ્ક્રિય થઇને જાળમાં એમ જ પડી રહી હતી. જાળમાંથી બહાર નિકળવાનો કોઇ જાતનો પ્રયાસ નહોતી કરતી. કેટલીક માછલીઓ એવી હતી જે જાળમાંથી બહાર નિકળવાનો પ્રયાસ કરી રહી હતી પરંતું એને બહાર નિકળવામાં સફળતા નહોતી મળતી જ્યારે કેટલીક માછલીઓ એવી પણ હતી કે જે સિફતપૂર્વક જાળમાંથી બહાર આવી ગઇ અને મોજથી પાણીમાં મુક્ત રીતે તરવા લાગી.
 
રામકૃષ્ણ દેવે પોતાના શિષ્યોને કહ્યું, “આ માછલીઓની જેમ મનુષ્યો પણ ત્રણ પ્રકારના છે. પ્રથમ પ્રકારના મનુષ્યો એવા છે જેના આત્માએ બંધનને સ્વીકારી લીધું છે અને બંધન મુકત થઇને ભવજાળમાંથી બહાર નિકળવાનો વિચાર પણ નથી કરતા. બીજા પ્રકારના મનુષ્યો બહાર નિકળવાના પ્રયાસો કરે છે પરંતુ આ અંગેની વિશેષ જાણકારી ન હોવાથી એ બહાર નીકળી શકતા નથી અને ત્રીજા પ્રકારના મનુષ્યો એવા છે જે પોતાના જ્ઞાનનો કુશળતાપૂર્વક ઉપયોગ કરીને જાળમાંથી મુક્ત થઇ જાય છે.”
 
રંગભૂમિના કલાકારની સ્ટેજ પરની એન્ટ્રી અને પર્ફોર્મન્સ જેટલું મહત્વનું છે એટલી જ એની એકઝીટ પણ મહત્વની છે. ધરતી નામના આ સ્ટેજ પર આપણે આપણી ભૂમિકા તો ઉત્તમ રીતે ભજવીશું જ પણ સાથે સાથે અસરકારક એક્ઝીટનો પણ થોડો વિચાર કરવો.
 
આગળની સ્લાઈડ્સમાં આપેલ તસવીરોમાં વાંચો રામકૃષ્ણ પરમહંસે તેમના જીવનમાં બતાવેલી મહત્વની બાબતો.....
(Self Help Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Inspirational quotes of Ramkrishna Paramhans
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended