Divya Bhaskar
Jyotish
Home » Pooja » Utsav » Diwali » Laxmi Puja

બીજાને સુખી કરવામાં ધન વાપરો, તે જ સારી અને સાચી લક્ષ્મીપૂજા

Dharm Desk ahmedabad | Jul 31, 2010, 17:10PM IST
બીજાને સુખી કરવામાં ધન વાપરો, તે જ સારી અને સાચી લક્ષ્મીપૂજા
તેરસે કે દીવાળીએ ગામડામાં હિન્દુઓ જ નહીં, પણ મુસ્લિમો પણ લક્ષ્મીપૂજા કરતા. મહુવાના સુલેમાન ઘાંચી તેમની ઘાણીની પૂજા કરતા. બળદની પૂજા કરતા. મારે ગામડે નવું ગાડું ખરીદાય તો ગાડાની પૂજા થતી. બળદોને ટીલાંટપકાં કરી તેની પૂજા થતી, કારણ કે બળદ અને બળદગાડું એ લક્ષ્મીનાં સર્જક હતાં. હળની પણ પૂજા થતી.

સામાન્ય માનવી ધનતેરસ કે દિવાળીને દિવસે ચાંદીના રૂપિયાની પૂજા કરતા. તેનું એક કારણ એ પણ હતું કે ચાંદી કે સોનાના સક્કિા ઉપર અંગ્રેજોના જમાનામાં લક્ષ્મીજી કે ભગવાન વિષ્ણુની મૂર્તિ છપાતી. રોજના પૂજાપાઠમાં પૂજા થતી.

સિક્કાને અંગ્રેજીમાં કોઈન કહે છે. આ ‘કોઈન’ શબ્દ ફ્રેંચ ભાષામાં ‘કોઈનર’ ઉપરથી આવ્યો છે. કોઈનર એટલે કોઈ સાધન વડે ચીજને ઠોકીને છાપ ઊપસાવવી. તેનો તાત્ત્વિક અર્થ થતો સખત શ્રમ. આજે પણ સખત શ્રમ એ જ લક્ષ્મી છે.

જૂના જમાનામાં કોઈ શિલ્પી કે કડિયો ખડક પાસે બેસીને તેની ઉપર કોતરકામ કરી મૂર્તિ ઊપસાવતો તો એ તેની જંગમ મિલકત બની જતી. તમે માનશો કે મુંબઈમાં સુધરાઈમાં કામ કરતાં મણિબહેન બાખંડિયા ધનતેરસે તેમનાં ઝાડુ-સાવરણાની પૂજા કરતાં? મણિબહેન તેની પુત્રી હેમાને ખુલાસો કરતાં કે દીકરી, આ સાવરણા થકી જ ઘરમાં લક્ષ્મી આવે છે!

લક્ષ્મીએ જમાના પ્રમાણે ઘણાં સ્વરૂપો બદલ્યાં છે. એન્સાઈકલોપીડિયા બ્રિટાનિકાએ લક્ષ્મીને સંપત્તિની દેવી ગણી છે અને વિષ્ણુનાં પત્ની ગણ્યાં છે. ખૂબ વિશાળ ખેતીની જમીન ધરાવનારો ભેંશ, ગાય, બળદો અને ધેટાં-બકરાંનો માલિક લક્ષ્મીવાન ગણાતો. લક્ષ્મીએ ઘણાં સ્વરૂપો બદલ્યાં છે. આજે બેન્કમાં તમારી કેટલી ક્રેડિટ છે તેની ઉપરથી તમે લક્ષ્મીવાન ગણાઓ છો, પરંતુ આજની મંદીમાં ઘણી બેન્કોની પોતાની પણ ક્રેડિટ રહી નથી. અમુક હજાર આઈસીઆઈસીઆઈના શેરો ધરાવનારો લક્ષ્મીવાન ગણાતો. આજે તેની લક્ષ્મી ૮૬ ટકા ઊડી ગઈ છે.

લક્ષ્મીએ તો વિષ્ણુનાં પત્ની, પછી પરશુરામનાં પત્ની, પછી રામનાં પત્ની તરીકે ઘણા અવતાર લીધા. એ પછી સમુદ્રમંથન થયું ત્યારે તે મૂળ લક્ષ્મીરૂપે પ્રગટ થયાં. સમુદ્રમાંથી ક્રૂડતેલ રૂપે સંપત્તિ નીકળી, એ પછી સંપત્તિ માટે એટલે કુદરતી ખનીજ કે તેલ માટે લડાઈઓ થઈ. શસ્ત્રો જબ્બર મિલકત ગણાયાં. શસ્ત્રો કે આયુધોની પૂજા આપણે કરતા. આજેય જગુઆર વિમાન કે કોઈ ટેન્ક ખરીદાય તો આપણું લશ્કર પ્રથમ તેની પૂજા કરે છે. એર ઇન્ડિયા નવાં જંબો જેટ વિમાન ખરીદતી ત્યારે જેટની પૂજા થતી તે અમે પ્રેસ્ટન શહેરમાં જોઈ છે. અમેરિકા આયુધોની પૂજા કરતું નથી, લક્ષ્મીની પૂજા કરતું નથી તેથી એ શસ્ત્રો અને લક્ષ્મીનો ગુલામ દેશ છે. લક્ષ્મીનું દાન કરે તે જ લક્ષ્મીપતિ. ધનતેરસને દિવસે કે દિવાળીએ તમે જેટલું ધન જરૂરિયાતમંદ મિત્રોને કે ગરીબોને આપો તેનાથી બમણું તમને પાછું મળવાની ગેરંટી છે, એટલે જ દિવાળીની બોણી ઘણા ઉદારતાથી આપે છે.

ગોંડલના મહારાજાને નામે ગુજરાતી શબ્દકોષ છે તે ભગવદ્ગોમંડળમાં તમે ‘લક્ષ્મી’ શબ્દનો અર્થ જોશો તો ફિલસૂફ બની જશો: લક્ષ્મી એટલે ચંદ્રની અગિયારમી કળા, દક્ષિણી બીજડો અને પુત્રીને પણ લક્ષ્મી કહી છે. લક્ષ્મી એટલે પીડા અને દુ:ખ એવો અર્થ થાય છે! જે ફકત પોતાને માટે જ કમાય અને બીજાનું ઝૂંટવે તેને લક્ષ્મી પીડા આપે છે.

ભગવદ્ગોમંડળમાં લખ્યું છે, ‘‘નપુંસક પતિ અને લક્ષ્મીનો લોભી માલિક એ બન્ને સરખા છે.’’ એટલે આજે શેરબજારમાં કોઈને છેતરી છેતરીને ધનવાન થયો હોય તે નપુંસક છે-દુનિયા માટે નક્કામો છે.

ભગવદ્ગોમંડળે હજી વિશાળ અર્થ આપ્યો છે: ‘‘જે ઘરમાં વડીલોનો આદર-સત્કાર થતો હોય, ખેડૂતે તેના ખેતરમાં નીતિથી અનાજ પેદા કર્યું હોય અને જેના આહાર શુદ્ધ હોય તેના ઘરમાં જ લક્ષ્મી વસે છે.’’ આહાર, વિહાર અને વિચાર શુદ્ધ હોતા નથી. તે બીમાર પડતાં તેની લક્ષ્મી ડૉકટરો ખાય છે. જે ડોકટર દર્દીને નાહકની દવા કે ખોટા ઉપચાર આપીને ધનિક થયો હોય તે પણ ઉપરની વ્યાખ્યા મુજબ નપુંસક છે.

લક્ષ્મીના ચાર પુત્રો છે: ધર્મ, અગ્નિ, રાસી અને ચોર. સૌથી મોટો પુત્ર કર્મ છે અને કર્મ એ જ ધર્મ છે. ધર્મ ન પળાય અને લક્ષ્મીનું યથાશકિત દાન ન કરો તો પછી તમારું ધન અગ્નિ, રાસી કે ચોર લઈ જાય છે. આને કારણે જ જૈનો અને ખોજાઓ ખૂબ જ દાન આપતા, તેથી જૈનો અને ખોજાઓ મહદ્અંશે લક્ષ્મીપતિ દેખાય છે. તમારે ત્યાં પુત્રી જન્મે તેને લક્ષ્મી નામ આપો તો તમારા સદ્ભાગ્ય છે.

લક્ષ્મી નામ જુનવાણી લાગે તો પુત્રીનું નામ સિંધુજા, કરણી, યજ્ઞાલયા, સિંધુસુતા, ચપલા, માયા, દિરા, જલધિની, ચંચલા, લોલા, હરિપ્રિયા કે શ્રી રાખી શકો છો. ચીનાઓ પણ માને છે કે લક્ષ્મી આપવાથી વધે છે. ચીની કહેવત છે કે ફૂલો તેની સુગંધ સંઘરતાં નથી. તેની સુગંધ ફેલાવે છે. કુદરત સુગંધ બક્ષનારને તેની સુગંધ પાછી આપે છે. બીજાની પીડા ઓછી કરવી તે આપણી ભાવિ પીડા ઓછી કરવા જેવું કૃત્ય છે.

જેમ્સ સ્ટિફન નામના વિદ્વાને લખેલું કે લેટ્સ હિમ ગીવ વીધાઉટ સેલ્ફિશનેસ સો ધોટ હી મે ગેધર રબીસ ફ્રોમ ધ એર. અર્થાત જે સ્વાર્થવૃત્તિ વગર આપે છે તે માનવી આકાશમાંથી રૂબી-રત્નો મેળવે છે. દિવાળીના તહેવારો એ આનંદ અને લક્ષ્મીને લૂંટાવવાનો અવસર છે.

ખલિલ જિબ્રાને સંપત્તિવાન લોકોને કહેલું, તમને આ પૃથ્વી અનાજ અને સંપત્તિ આપતી જ રહે છે. જો તમને તમારો ખોબો ભરીને લેતાં આવડે તો તેમાંથી ચપટી તો કોઈને આપતા રહેજો.હે વ્યાપારીજન, તમે બજાર છોડી જાઓ તે પહેલાં કોઈ પણ નાનો માણસ ખાલી હાથે ન જાય તેની કાળજી રાખજો. કારણ કે જો તમે નાના માણસની કાળજી કરશો તો ઈશ્વર તમારા ભંડાર ભરપૂર રાખવાની કાળજી લેશે.

લંડનનું ‘ટાઇમ્સ’ અને અમેરિકાનું ‘ફોબ્ર્સ’ મેગેઝિન ધનિકોનું લિસ્ટ પ્રગટ કરે છે. શું ધનથી સુખ મળે છે? મુંબઈના અબજપતિ ભાઈઓ એકબીજા ઉપર કોર્ટના કેસો કરે તે સુખી ગણાય? ઇંગ્લેંડની વોરવિક યુનિવર્સિટીના અર્થશાસ્ત્રના પ્રોફેસર તેમ જ મનોવિજ્ઞાની ડો. જોનાથન ગાર્ડનરે ધનિક લોકોનાં જીવન વિશે સંશોધન કરીને તારણ કાઢ્યું કે ધનિકોના લિસ્ટમાં આવનારા મોટા ભાગના લોકો સંતોષી નથી-સુખી નથી. પણ હવે સૌથી ‘સુખી લોકો’ની યાદી પ્રગટ કરવી જોઈએ. તો માત્ર ભારત-પાકિસ્તાનની સરહદે આવેલા હુંઝા લોકો સૌથી સુખી ગણાય. એટલા માટે કે હુંઝાઓ કદી બીમાર પડતા નથી.

ધનનો ઢગલો સુખ દેતો નથી. ફિલ કિચનર નામના બ્રિટિશરને ૨૦૦૧માં ૧૮ લાખ ડોલરનું ઈનામ લાગેલું. પણ અઢાર મહિનામાં તે દારૂડિયો થઈ ગયો. લિવર બગડ્યું. મરી ગયો. રૂ. ૧૦૦૦૦ કરોડની સંપત્તિવાળા મનુ છાબરિયા માત્ર ૫૬ની વયે મરણ પામ્યા.

ડો. ગાર્ડનર કહે છે કે છેલ્લાં ૫૦ વર્ષમાં ઘણા દેશોમાં લોકોની સરેરાશ સંપત્તિ વધી છે પણ તેમની એવરેજ હેપ્પીનેસ વધી નથી. તમે ટીવીની કોઈપણ સિરિયલ જુઓ, તમામમાં અતિ ઝળહળાટની સજાવટવાળા બેડરૂમ કે દીવાનખાનાં હોય છે. એક કરોડનાં ફર્નિચર હોય છે. પણ મોટા ભાગના ધનિકના ઘરમાં આડાસંબંધો, છૂટાછેડા, લફરાં, સંપત્તિની વહેંચણીનો કંકાસ વગેરે હોય છે.

બાઇબલમાં રાજા સોલોમની કથા છે, તેમાં કહેવાયું છે કે માત્ર સાદાઈ, સંતોષ અને સાત્ત્વિક જ્ઞાન થકી સુખ મળે છે. ધન થકી સુખ મળતું નથી. અમુક સમૃદ્ધિ પછી તમે ધન વાપરીને બીજાને સુખી કરો તો જ તે ધન સુખ આપે છે. સંપત્તિ સંઘરવાથી નહીં, વહેંચવાથી સુખ વધે છે. લકઝરી એ રોમન શબ્દ લેકસસ પરથી આવ્યો છે. લેકસસ એટલે વિપુલતા અને આનંદ. બીજો શબ્દ લકઝુરિયા છે. લકઝુરિયા એટલે અશ્લીલતા, સ્થુળતા નહીં ભૌતિકતા. પૈસો તમને અશ્લીલ બનાવી શકે છે.


ડો. એ. સી. ગ્રેયલિંગ નામના લેખક કહે છે-લકઝરી મનને નબળું બનાવે છે. તમને જિંદગીના સંઘર્ષો સામે ઝીંક ઝીલવા માટે નાલાયક ઠરાવે છે. સેનેકા નામના ફિલોસોફરે કહેલું કે અતિધન થકી માનવીની ચેતના ઉપર વિપરીત અસર થાય છે. સાદાઈ અને જરૂરિયાત પૂરતી લક્ષ્મી જ તમારી ચેતનાને અને સંવેદનાને ધારદાર રાખે છે.


  
Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
4 + 3

 
Advertisement


Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

Business

Jokes

 

Most Read

Photogallery

Email Print
0
Comment