એક ઈતિહાસના વિદ્વાન અને વિશ્વપ્રવાસી સિલ્વી લેવી લખે છે કે – ‘ઈરાનથી માંડીને ચીની સમુદ્ર સુધી, સાબિરિયાના બરફવાળા વિસ્તારતી છેક જાવા અને બોર્નિયાના ટાપુઓ સુધી, એસોનિયાથી માંડીને સોક્રોટા સુધી હિન્દે પોતાની કથાઓ, વાર્તાઓ અને માન્યતાઓ ફેલાવી છે. માનવ આત્માના પ્રતીક અને હાર્દસમી જગતની મહાન પ્રજાઓમાં પોતાનું સ્થાન લેવાનો તેને અધિકાર છે. ’ (‘પ્રોગ્રેસ ઓફ ગ્રેટર ઈન્ડીયન રિસર્ચ’માં યુ.એન.ઘોષલાએ નોંધ્યું છે.)
સાંઈબાબા જેવાએ - 'સબ કા માલિક એક' જેવું કહી દીધું તેને ઘણાંએ રામ કહ્યાં, કૃષ્ણ કહ્યાં, અલ્લાહ કહ્યા તો વળી જરથુસ્ટ્ર કે મહાવીર કે બૌદ્ધ કહ્યાં. કોઈએ માળા રૂપે, કોઈ ઓમ રૂપે કોઈ બીજના ચંદ્ર અને તારા રૂપે તેને પૂજતા રહ્યા. પણ તેમાં ડૂબવાની જરુર જ નથી વેંત ઉંડા જાવો તો પણ આ બધાના તળીયા મળી જાય તેમ છે. વાદ-વિવાદ નહીં પણ પૂ. મોરારી બાપુ કહે તેમ સંવાદની ભૂમિકા પર આ વાતના તળ શોધવા પડે છે. આ દુનિયાના પટ પર અનેક ધર્મો છે અને તેના પણ વળી સંપ્રદાયો છે પણ આ બધું આવ્યું કઈ રીતે તે જોવાનો પ્રયત્ન કરવો છે. વિશ્વના જોજનો દૂરના પ્રદેશોમાં પણ એ પરમતત્વને પામવાના રસ્તા એક સરખા જ જાય છે તે જાણીને પણ તમને નવાઈ નહીં થાય તો કંઈ નહીં પણ તમારા જે તે ધર્મની શ્રદ્ધાને બળ તો ચોક્કસ મળશે.
વિશ્વના અનેક ધર્મો છે અને આ ધર્મોના કૂળ અને મૂળ ક્યાંકને ક્યાંક કોઈને કોઈ રીતે હિન્દુધર્મની માન્યતાઓ તરફ જઈ રહ્યા છે. આ વાંચીને બે વાત મગજમાં આવશે કે કાંતો હિન્દુ ધર્મની અસર દરેક ધર્મ પર પડી છે અથવા તો હિન્દુધર્મે એટલા વિશાળપટ પર કામ કર્યું છે કે તેના સિદ્ધાંતો તમે દરેક જગ્યાએ ઉપયોગમાં લઈ શકો છો. જોઈએ વિશ્વના કયા ધર્મમાં કઈ રીતે હિન્દુધર્મ સંકળાયેલો છે.....